પ્રકાશનો

પ્રવૃત્તિઓ

શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા

તારીખ: ૫ થી ૧૧ ડિસેમ્બર ૨૦૧૯
સ્થળ: મુ. હરિકૃષ્ણ મહારાજ યાત્રિક ભુવન, ગોમતી તળાવ સામે, વડતાલ તા. નડિયાદ, જિ. ખેડા
પ્રાકૃતિક ખેતીના ઋષિ એવા પદ્મ શ્રી સુભાષ પાલેકરજી દ્વારા સમગ્ર રાજ્યમાં યોજાશે ૭ દિવસિય માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યશાળા

માન. વડાપ્રધાનશ્રીના પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસના ભાગ રુપે માનનીય રાજયપાલ શ્રીઆચાર્ય દેવવ્રતજી તથા માન. મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી, માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સાનિધ્યમાં પ્રાકૃતિક ખેતી અંગેના શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના અભિગમ ઉપર તારીખ ૫ થી ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ૭ દિવસિય રેશીડેન્શીયલ માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યશાળા યોજાઇ રહી છે

આ તાલીમ કાર્યશાળાનું મુખ્ય સ્થળ તારીખ ૫-૧૨-૨૦૧૯ થી ૧૧-૧૨-૨૦૧૯, મુ. હરિકૃષ્ણ મહારાજ યાત્રિક ભુવન, ગોમતી તળાવ સામે, વડતાલ ખાતે આયોજીત કરવામાં આવેલ છે. આ તાલીમમાં રાજયભરના ૨૫૦૦ જેટલા તાલીમાર્થી પ્રશિક્ષકોને આ સ્થળે આ પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ તાલીમ પદ્મ શ્રી સુભાષ પાલેકરજી દ્વારા આપવામાં આવશે. જયારે સમાન્તર રીતે બાયસેગ ના માધ્યમથી વન્દે ગુજરાત ચેનલ ૪ પરથી આ તાલીમનું તમામ જિલ્લાઓમાં ૩૨ સ્થળો ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમજ આ જિલ્લાઓમાં પસંદગી પામેલ તાલીમાર્થીઓને તાલીમ અપાશે જે મળી કુલ ૨૩૭૭૧ જેટલા પ્રશિક્ષકોને આ તાલીમ દ્વારા સમગ્ર રાજ્યમાં તૈયાર કરવાનો ઉદ્દેશ છે.

આ ૨૩૭૭૧ પ્રશિક્ષકોમાં અંદાજિત ૨૨૭૮૦ ખેડૂતો અને આત્માના ખેડૂત મિત્રોને પસંદ કરેલ છે. તેઓની પસંદગી માટેના ધોરણો પણ રાજ્ય કક્ષાએથી નક્કી કરેલ હતા જેમાં આ ખેડૂતો જાતે ખેતી કરતા હોય, ઓછામાં ઓછુ ૮ પાસ હોય, દેશી ગાય રાખતા હોય, જેવી મુખ્ય વિશેષતાઓ દ્વારા આવા તાલીમાર્થીઓની પસંદગી જિલ્લા તંત્ર મારફતે કરેલ છે કે જેથી ભવિષ્યમાં આ તાલીમાર્થીઓ માસ્ટર ટ્રેનર તરીકે રાજ્યના તેઓના વિસ્તારમાં બીજા ખેડૂતોને આ પધ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી શકે અને તેનો વ્યાપ વધી શકે. આ કાર્યક્રમ દૂરદર્શન ની ડીડી ફ્રી ડીશ અને યુટ્યુબ ના માધ્યમથી પણ જોઇ શકાશે. વધુમાં રાજ્યના બીજા ખેડૂતો પણ આ કાર્યક્રમ નો લાભ લઇ શકે તે ઉદ્દેશને ધ્યાને લઇ કાર્યક્રમનું પ્રસારણ રાજ્યના તમામ ઇ ગ્રામ સેંટરો ઉપર પણ કરવામાં આવશે જેથી ખેડૂતો તેમના ગામમાં બેઠા બેઠા પણ આ પ્રાકૃતિક ખેતીની તાલીમ નીહાળી શકશે.

સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ તારીખ ૫-૧૨-૨૦૧૯ રોજ યોજાનાર તાલીમ-કાર્યશાળાના ઉદ્દધાટન દ્વારા થશે. જેમાં માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અને માન. મંત્રીશ્રીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને માન.સાંસદશ્રીઓ, માન. ધારાસભ્યશ્રીઓ, સરકારશ્રીના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓની સાથે પદ્મ શ્રી સુભાષ પાલેકરજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સ્થાનિક કૃષિ યુનિર્વસીટીના પ્રોફેસર તેમજ કૃષિ વૈજ્ઞાનિકો, રાજયના કૃષિ અને સહકાર વિભાગના તેમજ ક્ષેત્રિય કૃષિ વિસ્તરણ તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ, કૃષિ સંબંધિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને પ્રગતિશીલ ખેડૂતો થઇને આશરે ૨૩૭૭૧ જેટલા તાલીમાર્થીઓ તાલીમ લેશે.

સુભાષ પાલેકરજી દ્વારા આ તાલીમમાં ૭ દિવસ દરમિયાન પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ વિષયો જેવા કે જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક અને સપ્તધાન્યાંકુર અર્ક વગેરે વિષે માહિતી આપવામાં આવશે. વધુમાં "સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ " એ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગરની અને સ્થાનિક ખેત સામગ્રીથી જ એક દેશી ગાયના ગૌ-મૂત્ર અને છાણ દ્વારા ૩૦ એકરમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન નહિવત ખર્ચે કરવાના સિધ્ધાંત આધારિત ખેતી છે. આ પધ્ધતિના, જીવામૃત, બીજામૃત, આચ્છદન, વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તભો છે. રાજયના ખેડૂતો શ્રીસુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થાય અને તે અંગેની જીણવટ ભરી તમામ માહિતી પ્રત્યક્ષ પ્રેકટીકલ સાથે મેળવી શકે તે માટે આ ૭ દિવસિય તાલીમ યોજાવા જઇ રહી છે.

આ "સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ " દ્વારા ખેડૂતોનો નીચે મુજબના લાભો થશે.
  • ખેતી ખર્ચ નહિવત થશે
  • જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા સુધરશે
  • પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી થશે.
  • રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખર્ચ શૂન્ય થશે..
  • દેશી ગાયની સાચવણી અને સંવર્ધન થશે..
  • પ્રાકૃતિક ખેતીના મુખ્ય ચાર સિધ્ધાંતો મળશે જાણવા: ૧) બીજામૃત ૨) આચ્છાદન (મલ્ચીંગ) ૩) જીવામૃત ૪) વાપસા
  • નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરે ના ઉપયોગ થકી ખેતી થશે જંતુમુક્ત....
  • ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, યોગ્ય કિંમત મળશે, આવક વધશે

આમ એકદંરે આ તાલીમ દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે કે જ્યાં ખેતી રાસાયણો વગર ની હશે, ખેત પેદાશો ગુણવત્તાયુક્ત હશે, ખેડૂતોને તેમના ઉપજ ની યોગ્ય કિંમત મળશે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને દૂર કરવામાં આ ખેતીનો સિંહ ફાળો હશે, ખેતી અને ખેડૂત પરિવાર સમૃધ્ધ થશે. અને દેશી ઓલાદની ગાયોનું જતન થશે. આમ પ્રાકૃતિક ખેતીના ઋષિ એવા પદ્મ શ્રી સુભાષ પાલેકરજી દ્વારા પ્રશિક્ષિત ૭ દિવસિય તાલીમ લઇ ખેડૂતો ચોક્કસથી પ્રાકૃતિક ખેતીના માસ્ટર બની રહેશે અને આવનાર સમયમાં રાજ્યના તમામ ગામોમાં આ ટ્રેનર એક લાખ ખેડૂતોને ખરીફ-૨૦૨૦ ઋતુ પુર્વે તાલીમ આપવાનુ રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

અંતે એટલુ કહી શકાય કે માન. વડાપ્રધાન શ્રીએ જે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું જે સ્વપ્ન જોયું છે તેમાં ગુજરાતના ખેડૂતો આગળ હશે અને ગુજરાત રાજ્યના વિકાસ થકી દેશનો વિકાસ દર નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે એવી આશા છે.

જય જય ગરવી ગુજરાત ............. જય જવાન ............. જય કિસાન ..........જય વિજ્ઞાન... જય પ્રાકૃતિક કૃષિ

નેવિગેશન પર જાઓ>